તારીખ ૧૨ / ૦૯ / ૨૦૨૦ નું અપડેટ

Gujarati Updates

તારીખ ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૦ થી ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૦ દરમ્યાનનું આકાશ

આ સપ્તાહાંતથી એક નવી શ્રેણી શરૂ કરવા જઈ રહ્યા છીએ. Stargazing India દ્વારા શનિવારના રોજ પ્રસારિત થાય તે માટેની ખાસ વ્યવસ્થા કરી છે જેથી શનિવાર – રવિવારની રજાના દિવસોમાં જો લોકોને શહેરથી દુર ફરવા જવાનો મોકો મળે તો આ કોલમ દ્વારા તેઓ આકાશ દર્શનની મજા માણી શકે અને ખગોળના નવા ક્ષેત્રની સફરે જવાની શરૂઆત કરી શકે.

સુર્યાસ્તના ૩૦ મિનીટ બાદ પશ્ચિમ દિશા તરફ

બુધ : હાલ સુર્યાસ્ત બાદ દેખાતો આ ગ્રહ સૂર્યની ખુબ નજીક હોવાથી સુર્યાસ્ત બાદ અથવા સૂર્યોદય પહેલા એકાદ કલાકથી વધુ સમય સુધી આપણા આકાશમાં રહેતો નથી હાલના સમયમાં બુધ સુર્યાસ્ત બાદ એક કલાકના સમય સુધી આપણને જોવા મળી રહ્યો છે. બુધ ખુબ ટૂંકા સમય માટે જોવા મળતો હોવાથી અતિ ઉત્તર તરફના ગોળાર્ધના દેશોમાંથી તેને જોવો અશક્ય છે. હાલ તેની પ્રકાશિતતા +૦.૧ મેગ્નીટ્યુડની હોઈ તેને સરળતાથી શોધી શકાશે.

રાત્રીના લગભગ ૯ વાગ્યાના સમયે મધ્યાકાશથી દક્ષિણ તરફનું આકાશ

ગુરુ અને શનિ : બંને ખુબ નજીક હોવાની સાથે સાથે એક જ રાશીમાં હોવાથી બંનેને શોધવા ખુબ સરળ છે. બંનેને સુર્યાસ્ત બાદ મધ્યાકાશથી થોડા દક્ષિણ દિશા તરફ જતાં ખુબ સરળતાથી શોધીને ઓળખી શકાય છે. આકાશમાં સફેદ પ્રકાશિત પીંડ એ ગુરુનો છે જયારે તેના નજીકમાં જ આવેલો તેનાથી ઓછો પ્રકાશિત નારંગી રંગે ચમકતો શનિ જોવા મળે છે. ગુરુ અને શનિ વચ્ચે માત્ર ૮ (આઠ) ડીગ્રીનું અંતર છે. હાલમાં ગુરુ -૨.૫ તથા શનિ +૦.3 મેગ્નીટ્યુડની તીવ્રતાથી પ્રકાશે છે. આપની પાસે જો ટેલીસ્કોપ હોય તો તેનાથી ગુરુના ચાર ચંદ્ર અને શનિના વલયો ખુબ સુંદર રીતે જોવા મળશે.

રાત્રીના ૧૦ વાગ્યે પૂર્વાકાશ

મંગળ : મંગળનું હાલનું રૂપ ખરેખર અદભુત છે. મંગળને ઓળખવો એ તેના લાલ રંગને લીધે ખુબ સરળ છે. સામાન્ય રીતે ઉપરના આકાશ નકશામાં જોશો તો જ્યેષ્ઠા નામનો તારો દેખાશે, તેના જેવો દેખાતો મંગળ હાલ ગુરુની પ્રકાશિતતા જેટલો તીવ્ર ચમકતો જોવા મળી રહ્યો છે. કારણ કે, તે હાલ પૃથ્વીની ખુબ નજીક તરફ આવી રહ્યો છે. લગભગ રાત્રીના ૧૦ વાગ્યા આસપાસ ખાસ્સી ઉચાઇ પર આવીને લાલ આંખ દેખાડતો હોય તેવો નઝારો જોવા મળે છે. હાલ તેની પ્રકાશિતતા -૨.૦ મેગ્નીટ્યુડની છે. અને હજુ થોડો સમય (ઓક્ટોબર માસ) સુધી આ પ્રકાશિતતામાં વધારો જોવા મળશે.

વહેલી સવારે ૦૪ વાગ્યે પૂર્વાકાશ

શુક્ર : શુક્ર વહેલી સવારના આકાશને શોભાવી રહ્યો છે. તેની આસપાસ ખુબ જ ઝાંખા તારાઓ વાળી કર્ક રાશી આવેલી છે, જે આપ શહેરના પ્રકાશિત આકાશમાં જોઈ શકશો નહિ, પરંતુ અંધારા આકાશમાં તે સ્પષ્ટ રીતે જોઈ શકાશે. શુક્ર હાલમાં સૂર્ય અને ચંદ્ર બાદનો સૌથી પ્રકાશિત હોવાથી સ્વત: ઓળખાઈ આવે છે. હાલ શુક્ર ખુબ પ્રકાશિત છે તેની પ્રકાશિતતા -૪.૨ મેગ્નીટ્યુડની છે, અને સૂર્યથી કોણીય અંતર વધુ હોવાથી યોગ્ય પદ્ધતિઓ દ્વારા શુક્રને દિવસના સમયે પણ થોડી મહેનતથી જોઈ શકાય તેવી સ્થિતિમાં છે.

રાત્રીના ૧૦ વાગ્યાના સમયે આકાશનો નકશો

અહી રાત્રી આકાશનો ૧૦ વાગ્યાના નક્શાની મદદથી આપને આકાશ જોવાની અને તારાઓને ઓળખવામાં મદદ મળી રહેશે. વધુ માહિતી માટે આપ Stargazing Indiaનો સંપર્ક કરી શકો છો.

આગામી સપ્તાહે આપણે કેટલાક પ્રકાશિત તારાઓ અને રાશીઓ વિષે માહિતી મેળવીશું અને આકાશમાં તેમના સ્થાન વિષે જાણશું.